રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે સમાજની સુરક્ષા કરતી પોલીસ સાથે બહેનોએ રક્ષાબંધન મનાવી. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન ખાતે એનપીપી સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલી બહેનો અને અમદાવાદની વિવિધ કોર્પોરેટર બહેનોએ સાથે મળી પોલીસ જવાનોને રાખડી બાંધી હતી અને સુરક્ષાના વચન મેળવ્યા હતા.
એનપીપી સેવા ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધન પર્વને લઈને પોલીસ જવાનોને રાખડી બાંધવાનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફના પોલીસ જવાનો જોડાયા હતા. બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી મો મીઠું કરાવ્યું હતું તો પોલીસ જવાનોએ બહેનોને તેમની રક્ષાના વચન આપ્યા હતા.
NPP સેવા ટ્રસ્ટના પ્રમુખ ભુપેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા હંમેશા લોકોની પડખે ઉભી રહે છે. વાર તહેવાર લોકોની સાથે ઉજવે છે અને ભૂખ્યાને ભોજન પહોંચાડવાનું અમારું વિશેષ કાર્ય છે. સાથે સાથે પર્યાવરણની સુરક્ષા નું બીડું પણ અમે ઉપાડ્યું છે ત્યારે આજે આપણા પવિત્ર તહેવાર રક્ષાબંધનને પોલીસ જવાનો સાથે ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યારે અમારી સંસ્થા સાથે જોડાયેલ તમામ બહેનો દ્વારા આજે સોલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જવાનોને રાખડી બાંધવામાં આવી હતી અને સમાજની તથા બહેનોની સુરક્ષા કરતી પોલીસ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવી તેવો અમારા ઉત્તમ ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો.