ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને 9001:2015 સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે. વર્ષ 2009 થી સતત ISO પ્રમાણપત્ર મેળવવાનું ગૌરવ દેશમાં એકમાત્ર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને પ્રાપ્ત થયું છે.
આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વહીવટીતંત્રના વર્ક કલ્ચરને ISO બેન્ચમાર્કને અનુરૂપ શ્રેષ્ઠ ગુણવત્તાનું બનાવવા વિવિધ સુધારાઓ હાથ ધર્યા હતા. જેના પરિણામે, વર્ષ 2009 માં પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને આ પ્રમાણપત્ર મળ્યું હતું.
ત્યારબાદ નાગરિકોને ‘ગુડ ગવર્નન્સ’ આપવાની નેમ સાથે મુખ્યમંત્રી કાર્યાલયની કાર્યરીતિમાં ઉત્તરોત્તર સાતત્યપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે. કાર્યાલયની કાર્યદક્ષતા વધે અને સમયબદ્ધ રીતે કામગીરી થાય તેવી વિવિધ પહેલ અમલમાં મૂકવામાં આવી છે.
જેના લીધે વર્ષ 2009 થી 2023 સુધી સળંગ પાંચ ત્રિવાર્ષિક ISO સર્ટિફિકેશન મેળવનારા દેશના એકમાત્ર રાજ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયે આ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જે આપણા માટે ગૌરવની વાત છે.
આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી કાર્યાલયની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ‘ટીમ CMO’ વધુને વધુ સુઆયોજિત રીતે જનસેવા માટે પ્રતિબદ્ધ છે.