દેશની સુરક્ષા સાચવતા આપણા ફરજપરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે, ત્યારે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રાજ્યની 53 હજાર આંગણવાડીઓની બહેનોએ ‘એક રાખી દેશ કે જવાનો કે નામ’ પહેલ અંતર્ગત 1 લાખથી વધુ રાખડીઓનું રક્ષાકવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું પ્રશસ્ય આયોજન કર્યુ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ રક્ષા સુત્રના આ રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડવા માટે 16 મરાઠા લાઈટ ઈન્ફ્રન્ટ્રીના લેફટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેજર જનરલ સંતોષ કામટેને આજે ગાંધીનગર ખાતે અર્પણ કર્યા હતા. દિર્ઘાયુની શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથેની આ રાખડીઓ વીર સૈનિકોને ગુજરાતની બહેનોના તેમના પ્રત્યેના સ્નેહની અનુભૂતિ કરાવતી રહેશે.